આકાશને
કલાપીનો કેકારવ
અહો કૈં ખેંચાણો તુજ ઉદરમાં આથડી રહ્યાં,વલોવાતા ગોળા ગણતરી વિનાના ઘૂમી રહ્યા;ફર્યા એ કૈં કોશો અગણિત ફરીને લય થશે,હતા જે સ્થાને ત્યાં ફરી નવ અડ્યા વા ન અડશે!
અહો! ન્હાના ન્હાના ટમટમ થતા દૂર દિસતા,અને ન્હાની ન્હાની ગૂંથણી ઝુમખાંની ગૂંથી રહ્યા;પરંતુ પાસેથી કદ કદિ મપાઈ નવ શકે,અને કલ્પી તેનાં મનુ નવ કદી અન્તર શકે!
અરે! આવાં કૈંનો લય થઈ જઈ ઉદ્ભવ થશે,અને ત્હોયે એ સૌ તુજ ઉદરની મધ્ય જ હશે!અહીં, ત્યાં ત્યાં દૂરે, તુજ ઉદરનું મધ્ય જ બધું!નહીં છેડો તેનું નવ ક્યું હશે સ્થાન વચલું?
ભરેલું શું ત્હારૂં ઉદર સઘળું પૂરણ હશે?અરે! વચ્ચે સૌ તો અગણિત સ્થળો ખાલી જ હશે;બધાં આ બ્રહ્માંડો અણુવત નકી તું ઉદરમાં,અને ન્હાના લીટા જરૂર અજવાળાં રવિ તણાં.
પછી તો અન્ધારૂં તુજ ઉદર શું ફેલી જ રહ્યું!વસે છે તું જેમાં! તુજ ઉદરમાં જે વસી રહ્યું!જરા તે રેલે, તો પ્રલય સઘળાનો થઈ જતો,જરા સંકોચાતાં ઉદભવ થતો આ જગતનો.
તમે બન્ને એવાં પણ અમ કને એવું જ કંઈ!અમારૂં હૈયું એ તમ ઉદર શું છે નકી નકી!તમારી પાસે કૈં અમ હ્રદયનું માપ ન મળે!તમોને ના માપે જનહ્રદય તે માપી ન શકે!