બાલક
કલાપીનો કેકારવ
જે છે હજુ રુધિર સ્વર્ગથી કાલ આવ્યું,જે બાલ છે રમતમાં હજુ એ જ રક્તે,જેનાં સુખો પણ હજુ ફૂટતાં દિસે છે,ત કેમ યૌવન તણા સમજે દુઃખોને ?!
પૂછે છે મ્હને, 'ક્યારે મ્હોટો, તાત ! થઈશ હું ?'ઉત્તરે સાંભળે ના ત્યાં મચે છે ફરી ખેલવું !
રમત કો રમવી નવ જ્યાં રુચે,અણગમ્યા ઉર કંટક જ્યાં ખુંચે.હૃદયદાહ જળ્યા જ જળ્યા કરે,સફર ત્યાં પણ કરવી ગમે ?
ગયું ને આવવાનું ત્યાં કલ્પના મૃદુતા ધરે,કલ્પનાહીનતા સર્વે વર્તમાન સૂકા કરે.
પણ મધુર આ વેળા ત્હારી ગઈ ન ફરી વળે,સુખભર રૂડી આ વેળાની સ્મૃતિ ય નહીં મળે;સ્મરણનયને ચારે પાસે અહીં દવ ભાસતો,જીવન જીવતાં આવું ખારૂં હવે જીવ ત્રાસતો.
ઇચ્છે છે તે નકી, બાપુ ! આવી કાલ ઉભું થશે,ઇચ્છા જ્યાં પૂર્ણ થાશે ત્યાં અતૃપ્તિ જ વધી જશે.
ન ઇચ્છવું આ મુજ અર્થનું કશું,છતાં ય આ છે ઉર આશિષે ભર્યું:
'સદા રહે બાલક બાલખેલમાં !'સદા વહે એક જ હર્ષરેલમાં !'
દડાથી અંગુલી ત્હારી કેવી આજ રમી રહે !પછી એ ધારતાં મુદ્રા હૈયા સાથ જડી હશે !
વા આ હશે સૌ મુજ કલ્પના શું ?તુંને ય દર્દો તુજ કૈં હશે શું ?રે ! બાલ, વૃદ્ધો અથવા યુવાનોછે સૌ પડ્યાં એક જ છાયમાં શું ?
સ્મૃતિ ના પ્હોંચતી ત્યાં ત્યાં આનન્દી ઉદધિ દિસે !પરન્તુ ઝાંઝવા જેવા શું એ સાગર સર્વ છે ?