સ્મૃતિચિત્ર
કલાપીનો કેકારવ
હસી મ્હારા વ્હાલા ! જીવિત કડવું મિષ્ટ કરજો,અનાયાસે આવ્યું વગર દુઃખ તે ત્યાગ કરજો;પ્રકાશી જે આવે દિવસ સુખના આજ સરખા,બની ઘેલા ગાળો ભરપૂર સુખે શાન્ત વહતા.
અહો ! હું તો હીંચી મધુર રસીલા પ્રેમઝરણેબને ત્યાં સુધી તો દુઃખી નવ કરૂં આ જિગરને;મૃદુ મીઠાં ન્હાનાં સ્વજન મુજના મંડલ તણાં;ઘણાં આલેખું હું હદય પર ચિત્રો અવનવાં.
મુખારવિન્દો પ્યારાં સ્મરણ કરતાં ના દિલ વસે,અતિ જો ખેંચો તો હૃદય થકી તે દૂર ખસશે;સ્વયં સ્ફૂરેલાં તે ખચિત બહુ સાચાં નિવડશે,અને સૌ એ ચિત્રો હૃદય પડછન્દો ગજવશે.
ઘણાં આવી રીતે પ્રિય મુખ, અહો ! હું ભૂલી ગયો,બની ચિત્રો ઝાંખાં સરકી સહુ ચાલ્યાં હૃદયથી !ચિતારાની પીંછી નવ રજ હવે કાર કરતી,હવે તો યત્નોથી દિલ પર છબી કો ન વસતી.
થતાં જૂદી પ્યારી અગણિત દુઃખોમાં ડૂબી જઈરૂપાની ઘંટી શા મધુર સ્વરથી તે લવી હતીઃ“ગયું તેવું જાશે સુખભર, અહો ! વર્ષ વહતું,“મળી પાછાં સાથે હૃદયદ્વયના શ્વાસ ઝીલશું.”
અરે ! અસ્તુ ! અસ્તુ ! પણ નવ કદી કો કહી શકે,થયાં જો જૂદાં તો દુઃખદ દૃઢ ક્યાં બન્ધ નડશે ?ભરેલો નેત્રે તે પ્રણયરસ નિસ્તેજ બનશે,ચીરાશે બે હૈયાં, જગત હસતું તે નિરખશે !
અરણ્યે શોભિતું, અગણિત દ્રુમોથી રુચિર, તેઉભું એકાન્તે છે શિવસ્થલ રૂડું શ્યામવરણું;ધ્વજા ફાટેલી છે, ખળભળી ગયો ઘુમ્મટ દિસે,કરે ઘૂઘાટા ત્યાં અનિલલહરી આફળી વને.
તહીં નીચે નીચે રવિ નિજ કરો ફેરવી ઢળે,પણે ધીમે ઊંચે ગગનપડદે ચન્દ્ર વિહરે;ફરે એ ગોળા બે પણ પલ અહીં આજ વિરમે,અહા ! એકી કાલે રમણીય પ્રભા પાથરી રહે !
અહો ! શાન્તિ શાન્તિ હૃદય મમ ને આ જગ પીએ,ભર્યાં તિર્યંચો એ ભભકકર આનન્દ ઉભરે;
જડાત્મા વૃક્ષો તો ખિલખિલ હસી હર્ષ સૂચવે,અને પૃથ્વી માતા ફરતી ફરતી ગાયન કરે !
અહીં આ મન્દિરે, સુખદ સમયે વ્હાલી રહી આ,દિસે કો યોગિની, શિવવિભૂતિ, સાક્ષાત રતિ વા !વિશાળાં રાતાં બે અનિમિષ રહ્યાં લોચન રૂડાં,અને ભાસે સર્વે વીજળીમય અંગો સળગતાં !
કુમાસી સુવાસી લઘુ દ્વય રહે ઓષ્ઠ ધ્રૂજતા,ભણે સ્તોત્રો મીઠાં પ્રભુપૂજનમાં લીન પ્રમદા;ધ્વનિ તેની ગાજી વનચર બધાંને વશ કરે,પિગાળી દે પ્હાડો ! નદ નદી ઝરાનાં નીર ઠરે!
કુસુમ્બી સાડીનો પટ સ્તન ગ્રહી ફર્ફર ઉડે,મહા કો રાજાનો જયધ્વજ ફરેરે જ્યમ ઊંચે;કિશોરીના કેશો શરીર પર શા ચામર કરે !સ્તવે એ શંભુને, સુભગ પ્રિયને આ દિલ સ્તવે !
તહીં બાંધેલો છે તરુવિટપમાં ઘંટ શિવનો,ધ્રૂજે શાખા ત્યારે ઘણણણ તે ઘોષ કરતો;બજાવાને યત્નો વિફલ કરતી પ્યારી સઘળાં,ફણે ઊભી ઊંચા કર કરી મથે છે પ્રિયતમા.
છુપી, છાનો દોડી, કટી વતી પ્રિયા તો ગ્રહી, અને'બજાવી લે, પ્યારી!' કહી મુજ રસીલી ઊંચકી મ્હેં;ગઈ બાઝી વ્હાલા શરમભર છાતી સરસી તે,અને ચુમ્બી લેતાં મુજ હૃદયમાં હર્ષ ઉભરે.
અરે ! આવાં સ્વપ્નો વિરહી દિલ મ્હારૂં રીઝવતાં,હવે ના આવે એ મુજ હૃદયમાં સૌ બળી ગયાં;ગયાં વર્ષો વીતી, મુખ મુજ પ્રિયાનું ભૂલી ગયો !સખા ! મીઠા ચ્હેરા દિલથી સરી ચાલ્યા સહુ, અહો !
તમે, મિત્રો વ્હાલા ! પથરવત વા વજ્ર સરખું,કહેશો આ હૈયું કઠિન અથવા ના રસભર્યું;અરે ! આ વાક્યો શું શિથિલ પ્રીતિની સ્થિતિ સૂચવે ?કવિતા મ્હારી શું હદયજડતા સાબિત કરે !
જુઓને મ્હોં મ્હોટું વિભુ વશ કરે એ વખતનું,ગળે તે પ્હાડોને, સુર, જન અને વિશ્વ સઘળું;ઉડાડે તે તારા, રવિ, ગ્રહ બધાંને સમ અણુ,તમારો રાજા એ મુજ પર કરે રાજ્ય સરખું.
અતિ સાચું ઓહો ! વખતનદનો છે પ્રબલ વ્હો,ખરૂં જે સાચું તે જનહૃદયથી તે લઈ જતો;સુકાવી દે અશ્રુ, મધુર છબી ભૂંસી દઈ હસે,અને રોનારાંને મરણશરણે તે ઘસડી લે.
રહે છે જો મીઠું જનકર મહીં સૂક્ષ્મ સઘળું,બહુ રક્ષાથી તો હૃદય સહ રાખી સુખી થવું;સ્મૃતિચિત્રો પ્યારાં સ્ફુટ કદિ બને નષ્ટ સઘળાં,ફીકા સંસ્કારો તો મરણ સુધી સૌ ઇષ્ટ ગણવા.