કડવું-૧૮
ઓખાહરણ
જોબનીયું વાધ્યું રે, ઓખા નાનડી રે લોલ;મારે જોબનીયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ;તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ,મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ....(૧)
બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ;મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ,મારા જોબનીયા દહાડા ચાર છે રે લોલ.નાણે રે મળશે પણ ટાણે નહિ મળે રે લોલ....(૨)
શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું ગામ;ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. (૧)
ઘડી એકમાં લાવે સોગટાં, ઘડી એકમાં પાટ;નાના વિધની રમત રમે, ઘડી એક હીંડોળાખાટ. (૨)
ઘડી એકમાં ઢીંગલા પોતિયાં, રમતની હોડાહોડ;હીંડોળે હીંચવાને કાજે, રેશમકેરી દોર. (૩)
ઘમઘમઘમઘમ ઘુઘરા ગાજે, ઘુઘરડીનો ઘોર,નાનાવિધનું ગાણુંગાતાં, મધુરો નીકળે શોર. (૪)
રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે;જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માંયરે. (૫)