કડવું-૨૭

પ્રેમાનંદ (1649–1714)

ઓખાહરણ

એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર;વાસી પુષ્પે કરતી પૂજા. ઓખા તો નિરધાર. ૧.

એટલે ચિત્રલેખા જાગીને જુવે તો, વાત બની વિપ્રિત;વાસી પુષ્પ ચઢાવ્યાં દીઠાં, થઈ રહી ભયભીત. ૨.

વાસી પુષ્પે પૂજા કીધી, નહિ પામે ભરથાર;ભરથાર જો હું નહિ પામું, તું સાંભળ મોરી માય. ૩.

આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય;ઉપર પાણી રેડીએ તો, આફુરાં ધોવાય. ૪.

ઊંચેથી પછાડીએ. ભાંગી ભૂકો ન થાય;તું આ લે રે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય. ૫.

પંદર દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહિ બોલે;તું તો બહેની કહેતી હતી જે, નહિ ગોર્યમા તોલે. ૬.

પકવાન પેંડા મેલિયે તો, કકડો કોઇ ન ખાય;તું આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય રે. ૭.

સાખી-શિવના લીજે વારણાં, જેને નેત્રે બળ્યો કામ;ત્રિપુરા દૈત્યને વિદારીઓ, હું તો કેમ મેલું શિવ નામ રે. ૧.

શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ;ભાગીરથ તપથી ઊઠ્યા, હું કેમ મેલું તે ઇશ. ૨.

શિવ ભોળો સુએ સમશાનમાં, ચોળે ત્યારે રાખ;માગે ભિક્ષા વ્રત, આપે તેને લાખ. ૩.