કડવું-૨૮

પ્રેમાનંદ (1649–1714)

ઓખાહરણ

હિમાચળનો ભાણે જ ભાઇ, ગણપતિ મારે વીર;મહાદેવની પૂજા કરીએ, મન રાખીને ધીર. ૧.

ખેચરી ગતમાં ઓખા ચાલ્યાં, તેનો કહું વિસ્તાર;સ્નાન કરીને કામનીએ તો, સજ્યા સોળ શણગાર રે. ૨.

નેપુર વાજે વિંછવા ગાજે, ઝાંઝરનો ઝમકાર;માથે દામણી ઝુમણું ને, વળી ઉર એકાવળ હાર. ૩.

જડાવ ચુડલો ઝુલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર;પગે પાવલાં નેપુર વાજે. ઘુઘરીનો ધમકાર. ૪.

વાળે વાળે મોતી પરોવ્યાં. મોતી સેરો સોળ;દરપણ લીધું હાથમાં ને, મુખે ભરિયા તંબોળ. ૫.

પકવાન થાળ મોતીએ ભરિયો, માંહે શ્રીફળ ફોફળ પાન;આક ધંતુરો અગથીઓ, શંખાવલિ નિરવાણ. ૬.

આકાશમાર્ગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;ઇન્દ્ર કેરું વિમાન ચાલે, એવી તે શોભાય. ૭.

મહાદેવ ને પાર્વતી બેઠા, પાસા રમતા સાર;મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઇ નાર. ૮.

સ્વામી કાંઇ ઘેલા થયા એ, બાણ તણી કુમાર;હવે તું એમ જાણે છે, ને કરશે અંગીકાર. ૯.

પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત;મહાદેવજીને કામી જાણી, લોચને દીધો હાથ. ૧૦.

ત્રીજું લોચન ઊઘાડ્યું, શંકરને લલાટ;પાસે આવી ઓખા દીઠી, લજ્યા પામ્યા તાત. ૧૧.

તેણે સમે ઓખા આવી, ઉમીયાને લાગી પાય;આવડી ઉતાવળી થઈ આવી, નહિ પામે ભરથાર રે. ૧૨.