કડવું-૩૯
ઓખાહરણ
ચિત્રલેખાના હાથમાંથી, પેલું લખિયું પૂતળું જેહ;પ્રેમ આણી ઓખાબાઇએ, ઝુંટી લીધું તેહ. (૧)
કરમાં લઇને કામની, કાંઇ દે છે આલિંગન;માળિયામાં મેલી ચાલ્યા, પ્રાણતણા જીવન. (૨)
આણિવાર હું નહિ જાવા દઉં, મેં ઝાલ્યો છેડો;મારા પિયુજી પરવરો તો, મુજને જલદી તેડો. (૩)
ચિત્રલેખા એણીપેર બોલી, સજોડે છે જોડ;તે તો પહોડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે. (૪)