કડવું-૪
ઓખાહરણ
વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય;વનનાં વાસી પશુ રે પંખી, તે લાગ્યાં બ્હીવાય. (૧)
કાંઇ નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય;આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુરરાય. (૨)
નગર સમીપે ચાલી આવ્યો, બાણાસુર બળવાન;કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. (૩)
કોઇક દેશની કન્યા લાવી, પરણાવ્યો રાજન;દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત. (૪)
પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણીવાર;દેશદેશના નાઠા જીત્યા, કહેતાં ન આવે પાર. (૫)
સ્વર્ગે જઈને જીત્યા, સર્વે દેવ્ નાઠા જાય,સૂરજે વળતી સાંગ આપી, બાણ તણા કરમાંય. (૬)
જીતી સુરને પાછો વળિયો, મળિયા નારદમુન;પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજન. (૭)
ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ;એકે જોધ્ધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. (૮)
નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય;જેને તુજને હાથ આપ્યા, તે શિવશું કર સંગ્રામ. (૯)