કડવું-૪૨
ઓખાહરણ
ચિત્રલેખા કહે ઓખાબાઇ, મારે દ્વારકામાં જાઉં;પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. (૧)
અગિયાર સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ;સુદર્શન જો ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૨)
બાઇ તુજને તાણ તો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને;લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને ? (૩)
જાતી વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો;કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતાં ચુડો. (૪)
ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર;તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. (૫)
ત્યારે ઓખા કહેવા લાગી, જોઇ રહી વાટડી;મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. (૬)
હું નહિ ઓઢું ઘાટડી, તું એ શી બોલી વાત ?તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. (૭)
એવું કહીને ઉપડી તે, પવનવેગે જાય;આકાશ મારગે સંચરી, પહોંચી ગોમતી માંય (૮)
ગોમતીમાં મરદન કર્યું ને, વિચારિયું તે ઠામ;પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહિ એકલાનું કામ. (૯)
પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તતક્ષણ આવ્યા ધાઇ;કહે રે મુજને કેમ સંભાર્યો, ચિત્રલેખાબાઇ. (૧૦)
બાણાસુરની દીકરીને, લાગ્યું છે સ્વપ્ન;અનિરૂદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. (૧૧)
ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય;તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. (૧૨)
નારદ કહે છે ઓ રે બાઇ, એમાં તે શું કામ;એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. (૧૩)
ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ;પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૧૪)
ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા;તેને મારગે હું જઇશ, બેસાડીશ વાતો કરવા. (૧૫)
પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય;ચોસઠ કળામાં ચામુંડા તે, ડળક ડોલું ખાય. (૧૬)
ગામ તો ઘારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક;ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકીને મનનો શોક. (૧૭)
નારદે વિચારિયું, ચિત્રલેખા અનિરૂદ્ધને લઈ જાશે;શિવને શામળિયો વઢશે, જોવા જેવું થાશે. (૧૮)
ચક્ર ચોકી કરતું આવ્યું, મારગમાં નિરધાર;તે મારગે સામા મળીઆ, નારદ બ્રહ્મકુમાર. (૧૯)
નારદ કહે છે ને, દહાડી જાય છે ફરવા;એક ઘડીવાર બેસને, મુજની સાથે વાતો કરવા. (૨૦)
તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહેને વાત;કોઇ દહાડો મુજને સંભારે, દ્વારિકાના નાથ. (૨૧)
ચક્કર મુખથી બોલિયું, વળી મારું તે ધનભાગ્ય;તમારા દરશનનો તો, ક્યાંથી પામું લાભ. (૨૨)
ભોળું ચક્કર સમજ્યું નહિ, બેઠું નિરાંત લઈ;પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. (૨૩)
જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તણું રે ભુવન;ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. (૨૪)
ત્યાંથી આઘેરી પરવરી, મહાવિષ્ટિ કેરો વીર;સોડ ઘાલીને પહોઢ્યો, મહાધનુષધારી ધીર. (૨૫)
હમણાં એને જો હું જગાડું, મારામારી કરે કકડાય;માથે હિંડોળો લઈ લીધો ને, ઉલટ અંગ ન માય. (૨૬)
જુગત અંબે ! જે જુગત અંબે ! કરંતી તે જાય;હિંડોળો લઈ જાતાં દીઠો, નારદે ત્યાંય. (૨૭)
હિંડોળો લઇ પરવરીને, સમર્યા વૈકુંઠરાય;પવન વેગે સંચરી, આકાશ મારગે જાય. (૨૮)
બેઘડીમાં આવી પહોંચી, શોણિતપુર મોઝાર;તે ઠેકાણે નારદજીએ, મન કર્યો વિચાર. (૨૯)
એ જ્યારે ગઇ ત્યારે, હું એ મારે જાઉં;તેનું કામ કર્યું હું, ખોટી શીદને થાઉં ? (૩૦)
નારદ કહે છે ચક્કરને તું, નિકળ્યું ચોકી કરવા;આવડી વારે મૂરખ કેમ બેઠું, મુજ સાથે વાતો કરવા. (૩૧)
નારદ કહે છે ચક્કરને, ઊઠ જોને તારું ગામ;કાલે પછી ચોરી થશે, તું ન લઇશ મારું નામ. (૩૨)
આકાશ મારગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;ઓખાબાઇ તો વાટ જુવે છે, મંદિર માળિયા માંય. (૩૩)
વા વાય ને બારી હાલે, ખડખડાટ બહુ થાય;ચિત્રલેખા પાપણી તે, હજુ ના આવી આંય. (૩૪)
ચિત્રલેખા ચાલી આવી, મંદિરે માળિયા માંય;ભલે આવી ભલે આવી, હું જગાડું ભરથાર રે. (૩૫)