કડવું-૪૯

પ્રેમાનંદ (1649–1714)

ઓખાહરણ

મારા સોરઠીઆ સુજાણ, મળ્યા મને મેલશો મા;મારા જીવનપ્રાણ, મળ્યા મને મેલશો મા. (૧)

મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશો મા;સાસુડીના જાયા, મળ્યા મને મેલશો મા. (૨)

સ્વપ્ને શીદ ઝાલ્યોતો હાથ, મળ્યા મને મેલશો મા;તમને દાદાજી ની આણ, મળ્યા મને મેલશો મા.(૩)

તમે ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશો મા;ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી. (૪)

એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી;મારા વડવાની વાત, કાઢી જે વઢી. (૫)

ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી;કૌભાંડની તે તનયાય, પગની ખાસલડી. (૬)

ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું તને વરું;તમે ગાળો દીધી સાર, મારૂં વેર વાળ્યું ખરું. (૭)

ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી;તમે બે થયાં છો એક, પરણાવું નહિ. (૮)

પરણવાની પેર, સઘળી મેં લહી;મને મળીઆ નારદમુન્ય, વિદ્યા શીખવી. (૯)

ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શાની;પરણાવ માળિયા માંય રાજકુંવરી નાની. (૧૦)