કડવું-૬૫
ઓખાહરણ
બાણે બંન્નેને બાંધિયાં, નૌતમ નર ને નાર;અનિરુધ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધિયાં૦ ૧.
ચૌટામાં ચોર જણાવિયો, ઢાંક્યો વ્યભિચાર;ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. બાણે૦ ૨.
લક્ષણવંતો હીંડે લહેકાતો, બહેહકાતો આવાસ;દૈત્યનું બળ તે પુંઠે પળે, ઘેરી હીંડે છે દાસ. બાણે૦ ૩.
એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાગ પ્રમાણ;ચોરે તે મોર જ મારીઓ, તેનાં લોક કરે વખાણ. બાણે૦ ૪.
ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવ ભરથાર;તે સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃત સાર. બાણે૦ પ
કો કહે એમ દૈવત દીસે ખરૂં, રૂપવંતો રસાળું;કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ. બાણે૦ ૬.
તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલી પડી તે નાર;કુંવારી કન્યાને કામણ કરે, સંતાડો સર્વ કુમાર. બાણે૦ ૭.
સખી પ્રત્યે ઓચરી, દેખી અંગ ઉમેદ;બાંધ્યો જૂવે છે આપણા ભણી, એને છે એવી ટેવ. બાણે૦ ૮.
ચાર માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ;માળિયે સુખ પામ્યો ઘણું, પછી લોક અપવાદ. બાણે૦ ૯.
(વલણ)
લાગ્યો લોકાપવાદ પણ, પામ્યો દેવકન્યાય રે;પછી બાણાસુરે અનિરુધ્ધને, રાખ્યો ઓખાના ઘરમાંય રે. ૧૦.