કડવું-૭૧
ઓખાહરણ
આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ;મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. ૧.
એક કુબજા પેલી રાંટી ટુંડી, કંસરાયની દાસ;મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. ૨.
નરકાસુરને મારીને, સોળ હજાર લાવ્યો તરૂણી;તારા સમ જો એમાં મુજને, એકે નથી પરણી. ૩.
તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી;જાંબુવંતી રીંછડી, તેને માનીતી કહી બોલાવી. ૪.
તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ;બીજા સર્વે દીકરા તે, દેવ કેરી વેઠ. ૫.
આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ;રૂડી નારી દેખીએ તો, હરણ કરી જઈએ. ૬.
ઓધવ ને અક્રુર બે હસિયા, ખડખડ કાઢ્યા દાંત;રૂડી શિખામણ છોકરાને, દ્યો છો જાદવનાથ. ૭.
આવી શિખામણ અમારાં છોકરાંને, જો દેશો તમે શ્યામ;તો તો મૂકવું પડશે, જરૂર દ્વારકા ગામ રે. ૮.