કડવું-૭૮

પ્રેમાનંદ (1649–1714)

ઓખાહરણ

એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય;મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય ? (૧)

બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર;મોર ઉપર સ્વામી કારતિક, ચાલ્યા શંકરના કુમાર. (૨)

સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય;સેના બહુ ભેળી કરી, કહું તેહ તણો મહિમાય. (૩)

ડાકણ શાકણ ભૂત પ્રેત, પિશાચ વંતર માત્ર;દડુક ચાલે ભૂતડાં, જેનાં હાલ્લાં સરખાં ગાત્ર. (૪)

હરિ જઈ કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો;આ શું ઉપરાણું કરી, જોગીડો વઢવા આવ્યો. (૫)

શંકર મુખેથી બોલ્યા; આવી લાગી ઝાળ;સન્મુખ આવી ઊભા રહી, માંહે ભાંડે ગાળ. (૬)

હે કાળા અરજુનના સાળા, ભર્યા ઉચાળા જેહ;મધ્યરાતે મથુરાથી નાઠો, ગયો વિસરી તેહ. (૭)

મારી માસી પુતના ને, દહીંના લીધાં દાણ;મોસાળનું છેદન કરીને, થઈ બેઠો રાજન. (૮)

તું આહિરડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી;ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા સારંગપાણી. (૯)

મડે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગ;આક ભાંગ ધંતુરો ચાવે, નફટ તારા ઢંગ. (૧૦)

ડાકણ શાકણ ભૂત પ્રેત, નીચે સપરો જોડો;બળદ ઉપર ભાર કર્યો, તારા ઘરમાં ન મળે ઘોડો. (૧૧)

રાત દહાડો બાવો થઈ ફરતો, તારા ઘરમાં રોતી નારી;ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને, બોલ્યા છે ત્રિપુરારિ. (૧૨)

અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મેરી;જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચળી પહેરી. (૧૩)

પરનારી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી;ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા દેવમોરારી. (૧૪)

ભગવાને કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો;તું એવો સાધુ હતો, ત્યારે ભીલડીશું કેમ મોહ્યો? (૧૫)

વચન એવું સાંભળીને, કોપીઆ શિવરાય;કડાક દઈને ત્રિશુળ માર્યું, થનાર હોય તે થાય. (૧૬)

ત્યારે શ્રીકૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા ચપટ ધાય;માંહે માંહે યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. (૧૭)

ગણપતિ ને કુંવર પ્રદ્યુમન; વઢતા બંને કુમાર;વસુમાન ને બટુક ભૈરવ, કરતા મારામાર. (૧૮)

વીરભદ્ર ને બળરામ સામા; યુદ્ધ કરે માંહેમાંહે;શિવ ને શામળિયો વઢે; ત્યાં જોવા સરખું થાયે. (૧૯)

કાળભૈરવ કપાળભૈરવ, તૈક્ષણભૈરવ સાર;સંહારભૈરવ ક્રોધભૈરવ, દંભભૈરવનો સાથ. (૨૦)

ઉગ્રસેન વીરસેન, બે જોદ્ધા કહેવાય;આપ આપના ભીરુ લઈ નેં, યુદ્ધ કરે રણમાંય (૨૧)

ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વળગે ચૂસે;અવળા પગે જેને ચુડેલ કહીએ, રુધિર સહુનું ચૂસે. (૨૨)

કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચોભચ;તરવારોની ધારોએ, કોનાં નાક વાઢ્યાં ટચ. (૨૩)

કોઈને અધમુવા કીધા, હાથ તણી લપડાકે;કોઈને માર્યા પાટુ પાની, ભોંગળને ભડાકે. (૨૪)

જાદવ કેરા મારથી, બહુ ઝોળીએ ઘાલ્યા જાય;કોને રણમાં રોળીએ, તેની થરથર ધ્રુજે કાય. (૨૫)

પરીઘ ત્રિશુળ તંબુર ફરશી, નાળ છૂટે સરસરાટ;ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ. (૨૬)

અસ્થિ ચર્મ ને માંસની બે, પાળ બંધન થઈ;સાગર શું સંગમ મળ્યો, એમ રક્ત જ કેરી સરિતા વહી. (૨૭)

પાંડુરોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત;હરસ નારું ને પાઠું કરીએ, કરણ તુલ્ય સનેપાત. (૨૮)

રોગતણો માર બહુ દેખી, જાદવ નાસી જાય;રોગના વરસાદથી કોઈથી; ઊભું નવ રહેવાય. (૨૯)

રોગના વરસાદથી, ચઢી હરિને રીસ;તાવની ટોળી બાંધીને, છેદવા માંડ્યા શીશ. (૩૦)

તાવ વાણી બોલીઆ, રહેવાને આપો ઠામ;તમે મુજને પેદા કરીને, ક્યાં મારો ભગવાન ? (૩૧)

પાપી તમે મૃત્યુલોકના, માનવીના લ્યો પ્રાણ;તાવ કહે આ કથા સાંભળે, હરિહર કેરું જ્ઞાન. (૩૨)

મહારાજ ત્યાં અમે નહિ જઈએ, સાંભળો અશરણશરણ;ચૈતર માસમાં સાંભળે, જે કોઈ ઓખાહરણ. (૩૩)

તેનાં સ્વપ્નાંતરમાં જાશો, તો છેદી નાખીશ શીશ;તાવની વાણી સાંભળીને, બોલ્યા શ્રી જગદીશ. (૩૪)

ઓખાહરણ સાંભળે, મન ભાવ કરીને જેહ;તેને પીડે મારી નાખું, એમાં નહિ સંદેહ. (૩૫)

તાવ કહે એકવાર સાંભળે, તે વરસમાં ન જાવું;બે વાર સાંભળે તેને, દીઠેથી નાસી જાઉં. (૩૬)

ત્રણવાર જે સાંભળે, તમારું જે જ્ઞાન;તેને જન્મારે નવ પીડું, તમે સાંભળો ભગવાન. (૩૭)

ઓખાહરણ જે સાંભળે, તેનું ન લઈએ નામ;કોલ દઈને સંચર્યો, ગયો કૈલાસ ધામ. (૩૮)

શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું રાય;વળતી ભાથા ભીડીઆ, કૈલાસ કેરે રાય. (૩૯)

શસ્ત્ર એવાં કહાડીઆં, તેનો કોઈ ન પામે પાર;ઇશને જગદીશ વઢતાં, કોઈ ન પામે હાર. (૪૦)

વજ્રાસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી ત્રિપુરાર;ત્યારે મોહાસ્ત્ર મેલિયું, સામા રહી દેવ મુરાર. (૪૧)

નાગાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી ઉમિયાઇશ;ગરુડાશસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી જગદીશ. (૪૨)

પર્વતાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી શિવરાય;ત્યારે વાવાસ્ત્ર ત્યાં મેલિયું, તેનું જોર કહ્યું નવ જાય. (૪૩)

સુદર્શન ત્યાં કહાડિયું, ક્રોધ કરી જગદીશ;ત્યારે ત્રિશુલને લઈ, રહ્યા પોતે ઉમિયાઇશ. (૪૪)

એકે લીધો પોઠિયો ને, એકે લીધો ગરુડ;ત્રિશુળને સુદર્શન વળગ્યાં, તે આવ્યાં કડાઝુડ. (૪૫)

તેમાંથી અગ્નિ વરસે, તે બ્રહ્માંડ પ્રલય થાય,શેષનાગ સળકવા લાગ્યા, ભાર ન ખમે ધરાય. (૪૬)

બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ,શિવ ને શામિળિયો વઢે, નારદે કીધો ઉત્પાત. (૪૭)

રાડ જઈને ચૂકવો, તેમાંથી થાય કલ્યાણ;હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન. (૪૮)