કડવું-૯૩

પ્રેમાનંદ (1649–1714)

ઓખાહરણ

રીતભાત પરિપૂરણ કરી, ઊઠ્યા કૃષ્ણ તનજી;નવું રે મંદિર વસાવીને ત્યાં, આપ્યું રે ભુવનજી.

એકવાર શ્રીકૃષ્ણે ઓખાને, ખોળા માંહે બેસારીજી;માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી.

મારા-બાપને એક દીકરો, તમો આપો રે ભગવાનજી;ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી.

બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી;કહી કથા ને સંદેહ ભાંગ્યો; પરીક્ષિત લાગ્યો પાયજી.

શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી;આરાધું ઈષ્ટ ગુરૂદેવને, ગણપતિને લાગું પાયજી.

શ્રોતા-વક્તા સમજતાં, કહે કવિ કરજોડજી;ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી.