કડવું ૧
નળાખ્યાન
શંભુસુતનું ધ્યાન જ ધરું, સરસ્વતીને પ્રણામ જ કરું;આદરું, રુડો નૈષધનાથ રે.
નૈષધનાથની કહું કથા, પુણ્ય શ્લોક જે રાય;વૈશંપાયન વાણી વદે, અર્ણિક પર્વ મહિમાય.રાજ્ય હારી ગયા પાંડવ, વસ્યા દ્વત વનમોજાર;એકલો અર્જુન ગયો કૈલાસે, આરાધ્યા ત્રિપુરાર.પશુપતાકાસ્ત્ર પશુપતિયે આપ્યું, પછે ગયો સ્વર્ગમાંહે;કાલકેતુ પુલોમા માર્યો, પંચ વર્ષ રહ્યો તાંહે.યુધિષ્ઠિરરાય અતિ દુઃખ પામ્યા, ઉપન્યો ઉદ્વેગ;પુનરપિ પારથ નહીં આવ્યો, ભાઇએ કીધો તાંહા નવો નેગ.એવે સમે એક તાપસ આવ્યો, બૃહદશ્વ અવું નામ;પૂજા કીધી પાંડવે, આપ્યો વાસવાનો ઠામ.ચાતુરા માસ તાંહા રહ્યા, કુંતીસુત કરે સેવાય;રાત રાતના વારા ફરથી, પાંડવ ચાંપે પાય.એક વાર યુધિષ્ઠિર બેઠા, તળાંસવાને ચર્ણ;તે સમે અર્જુન સાંભર્યો, ભરાયું અંતસ્કર્ણ.ધર્મરાયને ઋષિજી પૂછે, જળે ભીના પગ માહરા;શે દુઃખે સતવાદી રાજા, નેત્રે ભરે જળધારા.ધર્મ કહે સાંભળીએ સ્વામી, ઉઠી ગયો અર્જુન;અવળા સવળા સાલે સવ્યસાચી, માટે કરું છૌ રુદન.ભીમસેનનીપાસે જો હું, માંગુ દાતણ પાણી;બડબડતો જાએ રીસાવી, લાવે વૃક્ષ મોહોટું તાણી.પ્રાતઃ સામગ્રી નકુળ પાસે, કદાપિ જો મેં માંગી;
એક પહોર તો વાર લગાડે, એટલી કરે વરણાગીસહદેવને જો કામ દેઉં, સાધુ મંન ન આણે શેષ;પણ મધ્યાહ્ને ઘરમાંથી નીસરે, જોતો જોતો જોષ.દક્ષિણ દિશાએ જોગણી જો, જાઉંતો દુઃખ પામું;પૂર્વ દિશાએ પરવરું તો, ચંદ્રનું ઘર છે સાહામું.એવી રીત તો ત્રણે ભાઈની, મુજથી નવ સહેવાય;દ્રૌપદીને મોકલું તો, હરણ કરી કો જાય.વણ માગે વેળાએ આપે, જે જોઇએ તે આણી;ફળ જળ મુખ આગળ લેઈ મેહેલે, તે તો ગાંજીવપાણી.તેહના ગુણ હું નથી વિસરતો, રહ્યો છૌં હૃદયા રાખી;સુખ સંતોષ વિના છૌં સૂનો, મુનિ હું પારથ પાખી.નિ:શ્વાસ મૂકી ધર્મ એમ પૂછે, કોહોને બૃહદશ્વ ઋખી;વન વસવું ને વિજોગ પડીઓ, હું સરખો કો દુઃખી.રાજ્યાસના ધન ભુવન રિધ, તેહ અમો સર્વ હારી;એહેવું કોને હવું હશે સ્વામી, પીડા પામે નારી.વળતા વાણી વદે બૃહદૃશ્વજી, સહું આણે વૈરાગ;નળ દુઃખ પામ્યો અરે પાંડવ, નથી તેહનો સોમો ભાગ.રૂપ રાજ્ય ને ધંન બળ તે, ન મળે નળસમાન;અનેક કષ્ટ તેહેના જેવું, કો ન ભોગવે રાજાન.ભીમકકુમારી નળની નારી, રૂપ શું કહું મુખ માંડી;તે રાણી જાહાં નહીં ફળ પાણી, નળે વનમાં છાંડી.દાસી રૂપ ધર્યુંદમયંતી, કુબળું થયું નળગાત્ર;તેહેનાં દુઃખ આગળ યુધિષ્ઠિર, તાહારું દુઃખ કોણ માત્ર.કર જોડીને ધર્મ એમ પૂછે, કોહો મુજને ઋષિરાય,ઘણું દુઃખ પામ્યો નળરાજા,શા કારણ કહેવાય.કોણ દેશનો નરેશ કહાવે, કેમ પરણ્યો દમયંતી;તે રાણી નળે કેમ છાંડી ને, કાંહાં મૂકી ભમયંતી.ઉતપત્ય કોહો નળદમયંતીની, અથ, ઇતિ કથાય;દુખીઆનું દુઃખ સાંભળતાં માહારી, ભાગે મનની વ્યથાય.
વ્યાથા ભાગે માહારા મનની, કહે યુધિષ્ઠિર રાજાનરે;વદે વિપ્ર પ્રેમાનંદ તે, નળતણું આખ્યાનરે.