કડવું ૨

પ્રેમાનંદ (1649–1714)

નળાખ્યાન

બૃહદૃશ્વજી મુખ વાણી વદે, રાય યુધિષ્ઠિર ધરતા હૃદે;નૈષધ નામે દેશ વિશાળ, રાજ્ય કરે વીરસેન ભૂપાળ;તેહને સુરસેન બાંધવા જંન,તે બેહુને અકેકો તંન;તે રૂપે ફુટડા જેવા કામ, નળ પુષ્કર બંન્યોના નામ.પછે નળને આપી રાજ્યાસંન, પિતા કાકો બંન્યો ગયા વંન;ચલાવે રાજ્ય નળ મહામતિ, પુષ્કરને કીધો સેનાપતિ.જિત્યા દેશ વધારી ખ્યાત, શત્રુ માત્ર પમાડ્યા શાંત;ભૂપતી સર્વ નૈષધને ભજે, નળ પુષ્કરે કીધો દિગ્વિજે.પ્રજા સૂએ ઉઘાડે બાર, ન કરે ચોરી ચોર ચખાર;સત્યે યમપતિ કીધો સાધ, પુરમાંહે કોને નહીં વ્યાધ.કનકે ભરીઆ છે કોઠાર, જેહેવાં ધન તેવા દાતાર,જાચકના દારિદ્રય કાપીઆં, નળે મુખ માગ્યાં ધન આપીઆં.ભિક્ષુક કહે ભલું નળનું રાજ, ગયું દુઃખ હોલાણી દાઝ;કીર્તિ થઈ નળની વિસ્તીર્ણ, જેમ સૂરજનાં પ્રસરે કીર્ણ.પુણ્યશ્લોક ધરાવ્યું નામ, વૈષ્ણવ કીધું બાધું ગામ;ઘેર ઘેર હરિકીર્તન, એકાદશી વ્રત કરી હરિજન.ચારે વરણ પામે નિજધર્મ, ધ્યાયે દેવ વ્યાપક પરિબ્રહ્મ;નળે લીધો એટલો નેમ, માગ્યું દાન આપે કરી પ્રેમ.જો આવે મસ્તક માગનાર, તો આપતાં ના લગાડે વાર;ઉત્તર દક્ષિણ પૂરવ દશ, વીરસેન સુતનો ધ્યાયો યશ.ત્યારે પુષ્કરને થઇ અદેખાઇ, મુજથકી વાધ્યો પિતરાઇ;નળને નમે પ્રજા સ્મસ્ત, એ આગળ હું પામ્યો અસ્ત.એહેવું જાણી મન આણી વૈરાગ્ય, ગયો વંન ઘર કીધું ત્યાગ;નળનો વાળ્યો તે નવ વળ્યો, દારુણ વનમાં પોતે પળ્યો.જઇને સેવ્યું પર્વત શૃંગ, તળે વહે છે નિર્મળ ગંગ;શલ્યાનું કીધું આસન, પાંદડાંનું કીધું છત્ર રાજંન.માનસી રાજ માંડ્યું વનતણું, કોકિલા ગાન કરે છે ઘણું;આ મૃગ તે અશ્વ માહારે કારણે, દ્રુમ પ્રતિહાર ઉભા બારણે.ભુંડુ હસ્તી પૃથ્વી પરજંગ, એ રાજ કેમે ન પામે ભંગ;કો લુંટી લેવા આવી નવ ચડે, ઉઘાડે બાર ખાતર નવ પડે.

એણી પેરે માંડ્યું રાજ્યાસંન, અણચાલતે વશ કીધું મંન;એ કથા એટલેથી રહી, નળ રાજા શું કરતો તહીં.જ્યારે પુષ્કર ઉઠી વનમાં ગયો, ભાઇ વિના ભૂપ એકલો રહ્યો;નિષ્કંટક રાજ્ય એકલો કરે, ધર્મ આણ રાજાની ફરે.માગાં મોકલે દેશ દેશના ભૂપ, નળ જોવડાવે કન્યાનું રૂપ;શરીર કુળમાંહે કહાડે ખોડ, કહે ના મળે કો મારી જોડ.બત્રીસ હોય લક્ષણ સંપૂર્ણ, તેહેનું હું કરું પાણિગ્રહણ;એમ કરતાં વહી ગયા દિન્ન, એવે આવ્યા નારદ મુંન.

નારદ મુનિ પધારીઆ, સુણ યુધિષ્ઠિર ભૂપાળરે;પછે વેણાપાણીએ કેમ મેળવ્યું, નળનું વેવીસાળરે.