કડવું ૪

પ્રેમાનંદ (1649–1714)

નળાખ્યાન

નારદનાં વચન સુણી, બોલ્યા નૈષધધણી;ભીમક તણી કુંવરી છે, કહેવી ફૂટડી રે.

ફૂટડી કેહેવી દમયંતી, કહો તેહેનું વીખાણ;નારદ કહે રે ભોળો, વીરસેન સુત સુજાણ.

ગુણ ચાલ ને ચાતુરી, અદ્ભુત સુંદર વેશ;તેહને હું કેમ વર્ણવું, વર્ણવી ન શકે શેષ.બુદ્ધિ પ્રમાણે માનનીનું, કરું છું વરણંન;જ્યમ સાગરમાંથી ચાંચ જળની, ભરે પક્ષીજંન.દમયંતીનો ચોટલો, દેખી અતિ સોહાગ;અભિમાન મૂકી લજ્જા આણી પાતાળ પેઠો નાગ.ભીમકા સુતાનું વદન સુધાકર, દેખીને શોભાય;ચંદ્રમા તો ક્ષીણ પામી, આભમાં સંતાય.સૃષ્ટિ કરતાં બ્રહ્માજીએ, ભર્યુંતેજનું પાત્ર;તે તેજનું પ્રજાપતિયે ઘડ્યું, દમયંતીનું ગાત્ર.તેમાંથી કાંઇ શેષ વધ્યું, ઘડતાં ખેરો પડિયો;બ્રહ્માએ એકઠું કરીને, તેનો ચંદ્રમા ઘડિયો.નળ કહે નારદને, એ વખાણ ભાવ ના પહોંતો;દમયંતી હમણાં અવતરી, ચંદ્ર પહેલો નહોતો?નારદકહે બ્રહ્માજીએ, સૌ પહેલી ઘડીને રાખી;પણ પૃથ્વિમાં અવતારી નહિ, ભરથાર એવા પાખી.વિરંચિએ વૈદર્ભી નાંખી, ઉદય હવડે પામી;તેજો અહિંયાં અવતરી, તો નિર્મ્યો હશે કો સ્વામી.નળ કહે આગળ વિસ્તરો, એ ભેદ મેં સાંભળિયો;ચંદ્ર પહેલાં ચતુરાં, સંદેહ મનનો ટલિયો.નારદ કહે સાંભળો રાજા, મીન ને મધુકર;નેત્ર ભ્રુકુટી દેખિને, જળ કમળ કીધાં ઘર.નાસિકા વેસર દેખીને, કળાધર ને કીર;તેને અરણ્ય પર્વ સેવિયાં, ધારી શક્યા નહિ ધીર.દમયંતીના અધર દેખી, પેટ વેધ્યું પ્રવાળી;એ કામિનીનો કંઠ સાંભળી, કોકિલા થઇ કાળી.રસના વાણી સાંભળી,સરસ્વતીને આવ્યો વૈરાગ;કુંવારી પોતે રહી, સંસાર કીધ્યો ત્યાગ.દંત દેખી દાડમ ફાટ્યું, કપોત સંતાડે મહોને;તે નાદ કરતો ફરે વનમાં, કહે દુઃખ કહું હું કોને.

દમયંતીનાં કુચ દેખી, હાર્યું કુંજર કૂળ;તે હીંડતાં ચાલંતા હાથી, માથે ઘાલે ધૂળ.હસ્તકમળથી કમળ હાર્યું, જળમાં કીધું ઘર;ઉદર દેખી દમયંતીનું, સુકાયું સરોવર.

સરોવર સુકાયું સાંભળી, નળરાય મનમાં રંજ્યા;દમયંતીના જંઘા દેખી, કેળ રહી કાક વંઝા.