ભાભી
રાસતરંગિણી
ભાભી( મહિડાંનાં દાણ અમે નહિ દઈએ રે લેલ–એ ઢાળ)
ટહૂકે વસન્તકુંજ કોકિલા રે લોલ,ઘરમાં ભાભીનાં એવાં ગીત રે.
ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ.
એને તે કોષ તણી કૂચીએ રે લોલ,હીરા ને મોતીઓ હજાર રે. ભાભીના ૦
એ તો અમારી અન્નપૂરણા રે લોલ,વીરાના વંશ કેરી વેલ્ય રે. ભાભીના૦
હસતી ઉષા એ અમ આભની રે લોલ,રઢિયાળી રંગડાની રેલ રે. ભાભીના૦
માડીજાયો તે મધુર મોરલો રે લોલ,ભાભી ઢળકતી શી ઢેલ રે. ભાભીના૦
વીરો મહેરામણ મીઠડો રે લોલ,શીળી સરિતની એ સેર રે. ભાભીના૦
ચળકે સદાય એને ચાંદલો રે લોલ,જીવે એ જુગ-જુગ જોડ રે. ભાભીના૦
હૈયાં એ હેતભર્યાં હીંચજો રે લોલ,પૂરે પ્રભુજી એના કોડ રે. ભાભીના૦