પ્રિયા કવિતાને છેલ્લું આલિંગન
કલાપીનો કેકારવ
તારા બહુ ઉપકાર ! રસીલી ! તારા બહુ ઉપકાર !તું ઉરનો ધબકાર ! રસીલી ! તું અશ્રુની ધાર.
આ દિલડાનું ઝેર હળાહળતું વિણ કો ગળનાર?
બહુ દુખિયો પણ દુઃખ શું રોશે !રોતાં ન મળે પાર.
રોતો ત્યારે ત્હારે ખોળેશીર્ષ હતું, દિલદાર!
સહુ ત્યજી ચાલ્યા ! તું સુખણી થા !જીવીશ વિણ આધાર !
વીત્યાં સાથે તું વીતી જા!વીત્યાં સ્વપ્ન હજાર!
મારાં આંસુ ત્હારાં ગીતો!પણ ક્યાં હવે સુણનાર?
કોણ દબાવી જિગર નિચોવે?મારો હું જ પુકાર!
આ દિલ સખ્ત થયું ! તું કોમલ !તારો ના અહીં કાર.
કેમ હસાયે ? કેમ રડાયે ?દિલનો તૂટ્યો તાર!
તૂટ્યું વીણા કેમ બજાવું?એ બસૂરો ઝણકાર!
આંખ ગઈ છે ! ક્યાં છે આંસુ?શું ગાશે સુનકાર?
વિશ્વે છે ના શું એનું એ?છે ક્યાં એ રસધાર?
હવે તોક્યાં છે એ મળનાર?
તું રસહેલી ! હું રસહીણો ?ભેટું છેલ્લી વાર!
પણ હજુલેજે કદી કદી સાર!
હું ડૂબનારો ! તું તરનારી !તરતાને તું તાર!
અરેરેરે!ડૂબતાનો તજ પ્યાર!