પ્રેમ અને ધિક્કાર

કલાપી (1874–1900)

કલાપીનો કેકારવ

અરે ! તે બાગમાં તું પર નઝર મેં ફક્ત કીધી'તી,જિગરમાં આહ દીધી મ્હેં, ગુનેહગારી હમારી એ !કરે સૌ તે હમે કીધું, ન જોયેલું હમે જોયું !મગર એ આહને માટે ગુનેહગારી હમારી છે !

હતી ત્યાં ગુલછડી, દિલબર ! હતી તેની કળી ખીલી;ઝૂકી ચૂંટી કહ્યું, 'લેજે,' ગુનેહગારી હમારી એ !કળી દેતાં જિગર દીધું ! ગમીનું જામ પી લીધું !તૂટી દિલની લગામો એ, ગુનેહગારી હમારી એ !

ખુવારી વ્હોરી મ્હેં, મુજ હૃદય એ આજ સમજે !ખુવારી વ્હોરી તે કદિ નહિ વ્હોરીશ હવે !નથી મોડી કાંઈ સમજણ પડી એ જખમની,નહીં મોડી પામું મુજ જખમની ઔષધિ વળી.

હવે જોયા ત્હારા સરપ રમનારા નયનમાં,હવે ચેત્યો ઝેરી તુજ જિગરના ખંજર થકી;હવે ભોળો પ્રેમી તુજ વદનથી દૂર વસશે,અને તેને ક્યાંયે જગત પર મીઠાશ મળશે.

અરે ! ત્હારે માટે પ્રણયી મમ પામ્યાં પ્રણય ના,કદી ના લૂછાયાં મુજ કરથી એ આર્દ્ર નયનો;રહ્યાં મ્હારે માટે હૃદય કુમળાં એ સળગતાં,અને ત્હારે માટે મમ હૃદય તો વ્યર્થ જળતું.

હવે ના ઇચ્છું તુજ હૃદય માટે સળગવા,હવે ધિક્કારૂં એ તુજ હૃદયને હું ક્યમ નહીં ?કૃતઘ્નીને ચ્હાતાં મુજ હૃદય ના અન્ધ બનશે,અને એ ભૂલોની મમ હૃદય શિક્ષા ય સહશે.

'હવે ધિક્કારૂં,' એ ઘટિત નહિ બોલો પ્રણયીને,અરે ! એ બોલો તો જરૂર ઇનસાફી પણ દિસે;તને ચ્હાવામાં એ હૃદયઝરણું છૂટ જ હતું,હવે ધિક્કારૂં ત્યાં ક્યમ હૃદયને બન્ધ કરવું ?

પ્રભુ પાસે માગું મુજ હૃદયને ન્યાય મળવા,કૃતઘ્નીને શિક્ષા દઈ શિખવવા ક્રૂર ન થવા;નહીં ત્યાં તુ ફાવે કુદરત ન અન્યાય કરશે ?તહીં મૂંગે મ્હોંએ જગત સઘળું દંડ ભરશે.

હવે હું ઢંઢેરો નગર નગરે ફેરવીશ, કે'કૃતઘ્ની હૈયાના જખમ નિરખો આ મુજ ઉરે;'અરે સૌન્દર્યોનાં હૃદય નવ સૌન્દર્ય ધરતાં,'અને સૌન્દર્યોને શરણ પડનારાં દુઃખી થતાં.'

અરે ! મ્હારૂં ક્‌હેવું જગત સુણનારૂં પણ નહીં,સદા ઘેલું ઘેલું જગ નિરખી સૌન્દર્ય બનશે;

અરે ! કોણે ઝાલ્યો હૃદયધબકારો હજુ સુધીવહે છે તે જ્યારે ઝળહળિત સૌન્દર્ય પરથી ?

લવું છું હું યે આ મુજ નયન નીચાં દબવીને,અહા ! ખેંચે કિન્તુ હૃદય મમ નેત્રો ફરી તહીં;અને ત્યાં જોતાં તો નરમ બનતો કે ગળી જતો,અરે ! ત્યાં જોતાં તો હૃદય સઘળું અર્પી જ જતો.

સ્મૃતિમાં એ જાગે તુજ વદન ને હું મુજ નહીં,પછી મ્હારો મ્હારા ઉર પર કશો યે હક નહીં;કહે, શું છે જાદુ ? કહીંથી તુજને એ જડી ગયું ?પ્રયોગોને માટે મુજ હૃદય ક્યાંથી મળી ગયું ?

અરે ! જોતાં તુંને જિગર ફરિયાદે નવ કરે,સહ્યું ને સૌ સ્હેવા ફરી જિગર તો તત્પર બને;"સહ્યું", એ ક્‌હેતાં એ જિગર શરમિન્દું થઈ જતું,દિસે ઘા મ્હોટા એ કુસુમકળીવર્ષાદ સરખા.

ચીરાવું, રેંસાવું, તરફડી રીબાઈ સળગવું,શૂળીના કાંટાની અણી પર પરોવાઈ મરવું,દિસે લ્હાણાં એ તો અગર રસનાં પાત્ર મધુરાં,ચહું એ ચ્હેરાની સુખથી કુરબાની થઈ જવા.

પછી ધિક્કારૂં શે મધુર મુજ એ લ્હાણ ઉરની ?બહુ તો યાચું કૈં તુજ પદ મહીં શીર્ષ ઝુકવી;જહાંગીરી આવી ક્યમ કદિ ગુલામી ગણીશ હું ?'હવે ધિક્કારૂં', એ ક્યમ કદિ ય બોલો કહી શકું ?

નહીં સત્તા ત્હારી પ્રણય મમ આવો ડગવવા,'હવે ધિક્કારૂં', એ મુજ ઉરથી શબ્દો કઢવવા;કરી લે ચાહે તે પણ નહિ કહું જે નવ કહ્યું,કરી લે ચાહે તે પણ નવ બને જે નવ બન્યું.

વહન્તો પ્રેમપૂરે તે ધિક્કારે અટકે નહીં;પ્રેમના શત્રુનો પ્રેમ ના ના આશ્રય લે કદી.