વિના કૈં પાપ પસ્તાવું
કલાપીનો કેકારવ
વિના કૈં પાપ પસ્તાવું નસીબે આ લખાયું છે!ફરી પસ્તાઈ એ ફન્દે ફસાવાનું લખાયું છે!
તહીં છે ઈશ્કની મેના, જિગર મારું પડ્યું તેમાં;પરંતું પાંખ એ તેની નસીબે દૂર છે ઠેલી!
અહીં છે ઇશ્કનું પિંજર, પુરાઈ પાંખ છે જેમાં;હવાલે તે તણે ગાળી રહીને જિન્દગી જેમાં.
નવી, નીલી અને કુંળી ઊગી તે પાંખ ઊડે છે;અને એ પાંખને જોરે જરા પિંજર તૂટેલું છે.
ન તુટે એ, ન ઊડે આ, અને છોડે પછાડાના;ગળે બાઝી રહ્યું પિંજર, દિલે બાઝી રહી મેના!
ભલે તું ગીત ગા, મેનાં, ભલે તું રોઈ રહે, મેનાં!'વિના કૈં પાપ પસ્તાવો', કહું હું બોલ શેં એવા?
અરેરે! કેદખાનામાં મને આ ઈશ્ક સૂઝ્યો ક્યાં?ખુદાએ નૂર બતલાવી દિલે ચિનગી લગાડી કાં?
ન જોયું કૈં અગાડીનું! ગયો ભૂલી પછાડીનું,અને ગાફેલીએ વ્હોર્યું વિના કૈં પાપ પસ્તાવું!