કડવું-૩૫

પ્રેમાનંદ (1649–1714)

ઓખાહરણ

સ્વપ્નં સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. ટેક૦

એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે;હસ્તી ઝુલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે,જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક. સ્વપ્નું૦ ૧.

નિરધનીઓ તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર;તેને દેશ-વિદેશ વહાણ ચાલે; વાણોતર જે અપાર,જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ. સ્વપ્નું૦ ૨.

મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણિયો વેદ પુરાણ;જાગીને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું૦ ૩.

એક વાણિયો તે સ્વપ્નાંતરમાં, વેગે પામ્યો બાળ;જાગીને જ્યારે જોવા જાય ત્યારે, કોનું લાવે બાળ.સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. ૪.