કડવું-૫૦
ઓખાહરણ
માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે,માળિયામાં દેવતા સાક્ષી લીધા રે;માળિયામાં નારદ તંબુર વાય રે,માળિયામાં કળશ ચોરી બંધાય રે.
માળિયામાં પહેલું મંગળ વરતાય રે,પહેલે મંગળ શાં શાં દાન અપાય રે;ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે,દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.
માળિયામાં બીજું મંગળ વરતાય રે,બીજે મંગળ, શાં શાં દાન અપાય રે;ચિત્રલેખા આપે છે સોળ શણગાર,દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.
માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે,ત્રીજે મંગળ, શાં શાં દાન અપાય રે;ચિત્રલેખા આપે છે નવસર હાર રે,દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે.
માળિયામાં ચોથું મંગળ વરતાય રે,ચોથે મંગળ, શાં શાં દાન અપાય રે;ચિત્રલેખા આપે છે ગાયોનાં દાન રે,દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.
માળિયામાં સમે વરતે સાવધાન રે,માળિયામાં આરોગ્યા કંસાર રે;માળિયામાં ચાર ભાગ્યવંતી તેડાવો રે,ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે.
માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઊઠ્યાં રે,માળિયામાં ત્યાં તો સૌનેયે મેરુ થાય રે.